પરોપકારાય વહન્તિ નદ્યઃ પરોપકારાય ફલન્તિ વૃક્ષા : ।
પરોપકારાય વિભાતિ સૂર્ય : પરોપકારાય સતાં વિભૂતય : ।।
પરોપકાર માટે નદીઓ વહ્યા કરે છે, પરોપકાર અર્થે વૃક્ષો ફળ ધારણ કરે છે, પરોપકાર સારુ સૂર્ય પ્રકાશતો રહે છે. તેની પેઠે સંત વિભૂતિઓનું વિચરણ પણ પરોપકાર માટે જ છે. જગતમાં બળ્યા જળ્યા જીવને પરમકૃપાળુ સંતો ભગવદ્વાર્તા કહીને શાંતિ પમાડે છે. ક્રૂર અને હિંસક માનવને મૃદુ તેમજ અહિંસક બનાવે છે. મોહમાયાની ભ્રમણા મિટાવીને પ્રભુપદમાં પ્રીતિ કરાવીને અભયદાન આપે છે.
જનહિત માટે સદાસર્વદા આવી પરોપકાર ભરી અનેક પ્રવૃત્તિઓ માટે દેહને ઘસી નાખનાર સંતવિભૂતિ હતા ગુરુદેવ પૂજ્યપાદ સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. પોતાના નામ પ્રમાણે તેઓશ્રી ધર્મની મૂર્તિ હતા. શ્રીજીકૃત ધર્મમર્યાદામાં રહી આ સાવધ સંતે એમાં કદી ઉણપ આવવા દીધી નહોતી એટલું જ નહીં પણ પોતાના સંત–પાર્ષદ ત્યાગી શિષ્યોને પોતાના આસને ખાસ બોલાવી જૂના સંતોની રૂડી રીતભાતની પ્રેરણાદાયી વાતો કરી એ રીતભાતને જીવનમાં અનુસરવા પ્રોત્સાહન આપતા. સમજી વિચારીને ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી વિષય વૈભવમાં લલચાવાય નહીં. સ્ત્રીધનના ત્યાગી થયા પછી એની લાલચ રહે તો બાવાના બેય બગડયા જેવું થયું કહેવાય. સંતો ઉપરના પોતાના પત્રોમાં પણ સાધુતાના શુભગુણો મેળવવા અને એને જીવનમાં જાળવી રાખવા પોતે અચૂક ભલામણ કરતા રહેતા.
શિષ્યોના કદી વખાણ કરતા નહીં પણ એમની ખોટને ખોળીને રોકીટોકીને સંયમ નિયમમાં સારધાર ને સૂધા સાવધાન રાખતા. ધર્મપાલનના આગ્રહી હોવાથી તેઓશ્રી કેદિક ઉપરથી નાળિયેરની પેઠે સખત જણાતા પણ એમનું અંતર તો કરૂણા સભર અને મુલાયમ હતું. એ સહુને વિશેષ સારા, ત્યાગવૈરાગ્ય અને સંયમના ઉચ્ચ શિખરે લઈ જવા માગતા હોવાથી કોઈને ગમે યા ન ગમે તોય ઔષધ સમ કડવાં વચનો કહેતા રહેતા. કોઈનો લલોચપો કે ઝાપરો રાખતા નહીં. કાંઈ ને કાંઈ નિમિત્ત ઊભું કરીને પોતાના સાંનિધ્યમાં રહેનારાના આળસપ્રમાદની રજોટી ખંખેરતા રહેતા.
આર્ષદ્રષ્ટા અને સંસ્કારપ્રિય આ સંતવર્યે ગુરુકુલ શિક્ષણ પ્રણાલીમાં અધ્યાત્મ ઉમેરીને વિદ્યા સાથે સદ્વિદ્યાના માધ્યમથી અનેક બાળકોનાં જીવન સત્સંગના રંગે રંગી નાખીને સત્સંગની સૌરભ પ્રસરાવી છે.
ભજનસ્મરણ, મંત્રલેખન, જપતપ અને વ્રતમય ભકિતભાવ ભર્યા જપયજ્ઞ મહોત્સવો, બ્રહ્મભીના બ્રહ્મસત્રો, જ્ઞાનગંભીર જ્ઞાનસત્રો તેમજ જીવનસુધારણા માટે સ્પેશ્યલ યાત્રા ટ્રેનો અને સત્સંગ શિબિરો જેવાં અધ્યાત્મલક્ષી જનહિતનાં વિવિધ આયોજનો કરીને અનેક મુમુક્ષુજનોના જીવન પ્રભુમય બનાવ્યાં.
વ્યસનમુકિત ઝૂંબેશ ચલાવીને કેટલાયનાં જીવન નિર્વ્યસની બનાવ્યાં. તો જરૂરિયાતવાળાને અન્નવસ્ત્રની સહાય કરીને ઘણાય દીનદુઃખિયા અને દુષ્કાળથી પીડિતોનાં આંસુ લૂછયાં. નેત્રદંત યજ્ઞો તેમજ સર્વ રોગ નિદાન કેમ્પો યોજીને રોગાર્તની સેવા કરવાનુંય આ પરમાર્થી સંત ચૂકયા નહોતા.
સામાન્ય રીતે જનસેવાની પ્રવૃત્તિઓ કરનારને લોકમાં મનાવા–પૂજાવાની લોકૈષણા અંતરમાં જાગતી હોય છે ને જીવન જગતવ્યવહાર પ્રધાન બની જતું હોય છે. બીજી બાજુ જ્ઞાની, ધ્યાની ને તપસ્વી હોય તો એમનામાં નિષ્ક્રિયતા આવી જતી હોય. પૂ. સ્વામીજી આ બંન્ને બાબતોથી પર હતા. જનહિતની પ્રવૃત્તિ કરતા પણ પ્રભુની પ્રસન્નતા માટે પૂજાવા માટે નહીં. પ્રભુ ભુલાય એવી પ્રવૃત્તિઓથી અળગા રહેતા.
જનહિતની પ્રવૃત્તિઓ કરવા છતાં તેઓશ્રી સમજણ ને વિવેકથી સ્થિતપ્રજ્ઞ સંત રહ્યા. એમને પ્રવૃત્તિના પાશ લાગ્યા નહિ. એમાં તેઓશ્રી પ્રભુની કૃપા અને મોટા સંતોના આશીર્વાદ સમજતા હતા. જ્ઞાની, ધ્યાની અને ભગવદ્કથાવાર્તા કરવા સાંભળવાની રુચિવાળા હોવા છતાં જીવનમાં એ કદી પણ નિષ્ક્રિય રહ્યા નહીં. એતો વ્યવહારેણ સાધુ હતા. સત્સંગનાં સેવાકાર્યોમાં અને ગુરુકુલની સત્સંગહિતની સેવાપ્રવૃત્તિ વિકસાવવામાં જયારે અણધાર્યા મોટા અંતરાયો અને વિધ્નો આવ્યાં ત્યારે એમણે હિંમત હાર્યા વિના એ કાર્યોને વણથંભ્યા રાખ્યાં. એમણે તો એક ભગવાનનો ડર રાખ્યો હોવાથી બીજા તમામ ડરથી નીડર અને નિર્ભીત રહ્યા હતા. સેવાનો સાચો ઈશક હોવાથી પ્રભુ એમને સદાય સહાય કરતા રહ્યા.
આ સમર્થ સંતવર્યના જીવનમાં ગીતાજીના કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. સદ્ગુણની તો એ ખાણ હતા. સારુ એટલું મારુ એવા તો ગુણગ્રાહી હતા. શૂન્યમાંથી સર્જન ને જંગલમાં મંગલ કરે એવા પ્રબળ પુરુષાર્થી હતા. આવા મહાપુુરુુરુષના ગુણોને ગાવા અને વર્ણવવા એ મહદ્ ભાગ્યની વાત છે. આવી વિરલ સંત વિભૂતિના સાંનિધ્યમાં રહેવું, એમની દ્રષ્ટિમાં આવવું અને પ્રસન્નતા પામવી એમાં જીવનની ધન્યતા રહેલી છે.