આ ગ્રંથ લેખનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત યોગીવર્ય સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યુ છે. તેનો અને ઓશોના કઠોપનિષદ્ નો પણ આધાર લીધો છે. ઉપનિષદોનો પાર પામી શકાય તેમ નથી.
'ભારતીય ઇશ્વરવાદ' ઉપર ગુજરાત યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ (Ph.D)ની પદવી મળી જવા છતા જે વસ્તુઓને હું નહોતો સમજી શક્યો તે હવે બહુ સ્પષ્ટ સમજાય છે.
ઉપનિષદોએ ભારતીય મનીષિઓની સ્વાનુભૂતિની વાણી હોવાથી તેની સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી સમજવી મુશ્કેલ છે. શબ્દો કદાચ પકડાય જાય, પણ તેનુ હાર્દ પામવું કઠીન છે. સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી શબ્દો પાછળનું રહસ્યદર્શન થતુ નથી.
અભ્યાસકાળથી જ ઉપનિષદો મારો રસનો વિષય રહ્યો છે. તત્વજ્ઞાનનો મહાસાગર ડહોળ્યા પછી જ ઉપનિષદોની મહત્તા હવે સમજાતી જાય છે. તરવાનુ જેમ કોઇ વિજ્ઞાન નથી હોતુ. તેમ આ અંગેનુ પણ કોઇ વિજ્ઞાન નથી.તેમાં આંખો મીંચીને જંપલાવનાર જ તેને કંઇક અંશે આત્મસાત્ કરી શકે છે. ડુબકા ખાધા પછી જ તરવાનુ શીખી શકાય છે.
ઉપનિષદોના ચિંતન મનન દ્વારા તથા મૌનની કેટલીક શાંત પળોમાં મને જે કાંઇ યત્કિંચિત (થોડી) અનુભૂતિ સાંપડી છે. તેના ભાગીદાર આપ પણ બની શકો એવા શુભાશયથી તેને શબ્દ બદ્ધ કરી છે. મારી અનુભૂતિ તમારી અનુભૂતિ બની શકે છે. પરંતુ તે માટે થોડો દાખડો કરવો પડશે. ત્યાં પહોંચનારના શબ્દનો વ્યાપાર છુટી જાય છે. અને શબ્દો (તર્ક)ની ભૂમિકાએ આવતા તે અનુભૂતિ ધુંધળી બની જાય છે. તેને પામવાનુ, હસ્તાંતરણ કરવાનુ સર્વોત્તમ માધ્યમ એક માત્ર મૌન જ છે.
તેથી જીજ્ઞાસુ વાંચકોને, ખોજીઓને મારી નમ્ર વિનંતી છે કે આ ગ્રંથને સમજતા પહેલા ઓછામાં ઓછુ ત્રણ દિવસનુ મૌન રાખી, નિર્વિચારની ભૂમિકાએ પહોંચી, જો અભ્યાસ કરશો તો આપ પણ પરમાનંદને જાણી અને માણી શકશો. પૂર્વભૂમિકાનું નિર્માણ કર્યા વિના ત્યાં સુધી પહોંચી શકાય તેમ નથી. કદાચ પહોંચવા જશો તો શબ્દો હાથ લાગશે. સત્વ સરી જશે. અઘરી વાતોને શક્ય તેટલી સરળ કરીને આપ સમક્ષ મુકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
ઉપનિષદો અગાધ જ્ઞાનરાશી છે. તેના જ્ઞાનામૃતનું એક સ્વજનના નાતે આપને પણ યત્કિંચિત આચમન કરાવવા અમે નમ્ર પ્રયાસ કર્યો છે. ઇશ, કેન અને કઠોપનિષદના મંત્રને તે માટે આધાર બનાવ્યા છે. માત્ર મંત્રાર્થને જડપણે વળગી રહ્યો નથી. તેના ગર્ભિતાર્થો તરફ પણ કંઇક અંગુલિ નિર્દેશ કરવા પ્રયાસ કર્યો છે. મંત્રના ભાવાર્થને અનુરૃપ કેટલીક આનુષંગિક વાતો પણ કરી છે. સારુ લાગે તે સ્વીકાર જો. ન રુચે તે દફનાવી દેજો. ક્યાંય ક્ષતિ જણાય તો ક્ષમ્ય ગણશો.ઉપનિષદ જ્ઞાનના અગાધ મહાસાગરને ગાગરમાં ભરવાનો મારો આ બાલિશ પ્રયાસ છે.
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાર્થે તેમની જ કૃપા અને પ્રેરણાથી પ્રેરાઇને અમારા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીનો રાજીપો મેળવવા જેવું લાગ્યુ તેવું લખ્યું છે. નિરક્ષીર વિવેકથી તેને આત્મસાત્ કરવાનો પ્રયાસ કરજો. જ્ઞાનની ક્ષિતિજો અનંત છે તેને કદી કોઇ બાંધી શકતુ નથી. અત્રે તો તેની એક માત્ર આછી ઝલક પ્રગટ થઇ હોય તેવું મને લાગે છે.
લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.
પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે.
છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.
-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર